પ્રાર્થનાનો ચમત્કાર

રાંકા નામનો મહારાષ્ટ્રનો કુંભાર પરમાત્માનો ભક્ત હતો.એક વાર નિંભાડામાં ઘડાઓ ગોઠવ્યા અને અગ્નિ પેટાવ્યો.ધીમે તાપે થોડા દિવસ તપવાથી કાચા ઘડા પાકા થાય.નિંભાડામાંથી ધૂમાડો નિકળવો ચાલુ થયો. ત્યાં એક બિલાડી ત્યાં આવી. નિંભાડાની ચારે બાજુ ફરતી હતી અને કંઇક શોધતી હતી.

રાંકા કુંભારને સમજાઈ ગયું કે કોઈક ઘડામાં બિલાડીએ એના બચ્ચા મુકેલા. એ ઘડો જોયા વિના જ મારાથી નિંભાડામાં મૂકાઈ ગયો છે.અરરર! એ બચ્ચાઓનું શું થશે?  ક્યા ઘડામાં બચ્ચા હશે? અને હવે નિંભાડામાં વચ્ચે વચ્ચે ભરેલ ઘાસ માટી વગેરેમાં આગ ફેલાઈ ગયેલી.

રાંકા કુંભાર ભગવાનના ફોટા પાસે બેસી ગયો. પ્રભુ, હવે આ બિલાડીના બચ્ચાઓની જીંદગી તારે હાથ છે. પ્રભુ, તું બિલાડીના બચ્ચાને બચાવી લે. રાંકા રાત-દિવસ રડતો રહ્યો. પ્રાર્થના કરતો રહ્યો. નિંભાડાની આગ ઠંડી પડી. એક પછી એક ઘડાને બહાર કાઢ્યા.આશ્ચર્ય એ થયું કે જે ઘડામાં બચ્ચા હતાં તે જરા પણ ગરમ થયો ન હતો .બચ્ચા સલામત હતા. બચ્ચાને જોતાં બિલાડી દોડી આવી. મા-બચ્ચાના મિલન ને રાંકા અને એના પત્ની આનંદાશ્રુ સાથે જોતાં રહ્યા.રાંકાની પત્ની કહે: ‘મારી માનતા ફળી.’ ‘શું માનતા હતી.’ ‘જો બચ્ચા બચે તો બધી સંપત્તિ સારા માર્ગે વાપરવી.’

રાંકાએ સંપત્તિ વાપરી માનતા પૂરી કરી. સાચા દિલની પ્રાર્થના અવશ્ય ફળે છે.

શ્રદ્ધા મેં યદિ જાન હે તો ભગવાન તુમસે દૂર નહીં.

વિશ્વયુદ્ધ વખતની ઘટના છે .ફ્રેંચ જાસૂસ વિમાન જર્મન પ્રદેશ ઉપરથી ઉડતું હતું. જર્મન લશ્કરી મથકોની વિગતો મેળવવા જેવું વાદળામાંથી બહાર આવ્યું કે વિમાનવિરોધી તોપ ગર્જી ઉઠી. વિમાન સળગી ઉઠ્યું.

હવે બચવાની શક્યતા નહિવત હતી.આજન્મ નાસ્તિક રહેલા પાયલોટ નિક્ષનને લાગ્યું કે હવે ચમત્કાર જ બચાવી શકે.જિંદગીમાં પહેલીવાર એણે પ્રાર્થના કરી. ‘હે પ્રભુ! જો જીવતો રહ્યો તો આજીવન તારો ચરણોપાસકબની રહીશ .’વિમાન ધડાકા સાથે તૂટી પડ્યું. નિક્ષનના ચારેય સાથીઓ ખતમ થઈ ગયા. શરીરના ટૂકડે ટૂકડા થઈ ગયા જ્યારે નિક્ષન બાલ બાલ બચી ગયો.

હવે નિક્ષન પૂર્ણ આસ્તિક શ્રદ્ધાળુ બની ગયો. વિવિધ ધર્મોનો અભ્યાસ કરતા એને શ્રીકૃષ્ણ પ્રત્યે વિશેષ ભક્તિ ઉભરાણી. કૃષ્ણ પ્રેમ નામ ધારણ કર્યું. ઉત્તર વૃંદાવનમાં વસવાટ કર્યો. એકવાર ડૉ.સી.વી.રામને એમને પૂછ્યું કે તમે મને પરમાત્માના દર્શન કરાવી શકો?

 કૃષ્ણ પ્રેમ કહે તમે કોઈને વૈજ્ઞાનિક સત્યના દર્શન કરાવી શકો?રામન-‘ના એ માટે પ્રયોગો કરવા પડે . તાલીમ લેવી પડે.કૃષ્ણ પ્રેમ કહે:’બસ તો પરમાત્માના સાક્ષાત્કાર માટે પણ વિધિમાંથી પસાર થવું પડે.પૂરી શ્રદ્ધા સાથે પ્રભુમાં લીન થવું પડે.’

શ્રદ્ધા મેં યદિ જાન હે તો ભગવાન તુમસે દૂર નહીં.

પ્રાર્થના મનનો ખોરાક છે

ગાંધીજીને મળવા એક વકીલ આવેલા. ખબર પડી કે ગાંધીજી પ્રાર્થના કરી રહ્યા છે હમણાં કોઈને મળશે નહીં.વકીલને થયું પાંચ દસ મીનીટમાં પ્રાર્થના થઈ જશે પણ પૂરો કલાક થયો. વકીલ અકળાયો. ગાંધીજી મળ્યા એટલે કહ્યું: મહાત્માજી ,, આપ દેશને સ્વતંત્ર બનાવવાનું મોટું કાર્ય લઈને બેઠા છો, કેટકેટલા મળવા આવે, કેટલા પત્રોના જવાબ આપવાના હોય, આટલી બધી વ્યસ્તતા વચ્ચે કલાક કલાક પ્રાર્થનામાં બગાડો તે યોગ્ય ન કહેવાય ! પ્રાર્થના કરવાથી શું મળી શકે ? ગાંધીજી કહે: વકીલ , તમે પણ વ્યસ્ત જ રહેતા હશો.

ચોક્કસ મારે પણ, કોર્ટમાં અનેક કેસો હોય.. હું અતિવ્યસ્ત રહું છું.વકીલ મહાશય, તમે રોજ ત્રણ વખત જમવામાં સમય શા માટે બગાડો છો? ભોજનની શી જરૂર છે?

અરે!! ભોજન વિના તો શરીર કામ જ ન આપે.
ભોજન શરીરનો ખોરાક છે તો પ્રાર્થના મનનો ખોરાક છે.

પ્રાર્થનાથી આત્માનું સૌદર્ય ખીલે છે.