ગન કલ્ચરથી લોહીલુહાણ અમેરિકા

ગન કલ્ચરથી લોહીલુહાણ અમેરિકા

ગન કલ્ચરથી લોહીલુહાણ અમેરિકા

રેડ રોઝ :- દેવેન્દ્ર પટેલ

અમેરિકાના ઈન્ડિયાના પોલીસમાં એક અજાણ્યા શખ્સ દ્વારા કરાયેલા અંધાધૂંધ ફાયરિંગમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં. હુમલાખોરે આ હત્યાકાંડ પછી પોતાની પર પણ ગોળી ચલાવી પોતાની જાતને પણ મોતને હવાલે કરી. જે આઠ જણ માર્યા ગયા તે તમામ નિર્દોષ અમેરિકન નાગરિકો હતા. એ અગાઉ તા.૨૨મી માર્ચે કોલોરાડોના બ્રોસરમાં આવેલા એક ગ્રોસરી સ્ટોરમાં થયેલા ગોળીબારથી ૧૦ નાગરિકોનાં મોત નીપજ્યાં. એટલાન્ટામાં આવેલા એક સ્પામાં કરવામાં આવેલા એક ગોળીબારમાં એશિયન મૂળની ૬ મહિલાઓ સહિત કુલ આઠનાં મોત નીપજ્યાં.

હજુ થોડા દિવસો પૂર્વે જ અમેરિકાના હ્યુસ્ટનમાં ત્રણ વર્ષના એક બાળકે તેના જ આઠ મહિનાના ભાઈને ગોળી મારી દીધી. એ અમેરિકન નાગરિકના ઘરમાં રાખવામાં આવેલી બંદૂક ભૂલથી બાળકના હાથમાં આવી ગઈ હતી અને બંદૂક સાથે રમતાં રમતાં એ બાળકથી બંદૂક ફૂટી ગઈ અને પોતાના નાના ભાઈને વાગી જતા તેનું મોત નીપજ્યું. અમેરિકા એક એવો દેશ છે જ્યાં છૂટથી બંદૂક કે રિવોલ્વર ખરીદી શકાય છે. આ તો બાળકે ભૂલથી બંદૂક ચલાવી દીધી પરંતુ કેટલાયે કિસ્સામાં કેટલાક લોકો દુકાનને લૂંટવા કે બીજાં કારણસર એકબીજાને ઠાર કરી દે છે. અમેરિકાના આ પ્રકારના ગન કલ્ચરને દૂર કરવા અનેક વખત પ્રયાસ થયા છે પરંતુ અમેરિકાના કેટલાયે લોકો ગન પરના પ્રતિબંધો મૂકવાની તરફેણ કરતા નથી. આ કારણથી સંખ્યાબંધ અમેરિકનોનાં ઘરમાં બંદૂક કે રિવોલ્વર હાથવગી હોય છે.

અત્યંત સભ્ય અને શિક્ષિત ગણાતા અમેરિકામાં દર વર્ષે આ પ્રકારના પ્રાઈવેટ ફાયરિંગથી ૪૦ હજાર લોકોનાં મોત નીપજે છે. દર વર્ષે આ આંકડો વધતો રહે છે.

ઘણાં વર્ષો પહેલાં અમેરિકાનું હોલિવૂડ તેની ‘કાઉબોયઝ’ ફિલ્મો માટે જાણીતું હતું. અમેરિકાની આજની સભ્યતા વિકસી તે પહેલાં પશુઓ ચરાવતા અમેરિકનો ઘોડા પર બેસી માથે હેટ પહેરી બંદૂક સાથે જ ફરતા અને કોઈની સાથે સહેજ વાંકું પડે તો બંદૂકથી કે રિવોલ્વરથી ફાયરિંગ કરી દેતા. આવી અનેક ફિલ્મસમાં ‘મેકેન્નાઝ ગોલ્ડ’ અને ‘ધી ગૂડ, ધી બેડ અને ધી અગ્લી’ અત્યંત જાણીતી છે. અમેરિકાના આજના આ ‘ગન કલ્ચર’નો વારસો જૂનો છે. ગન કલ્ચરના કારણે અમેરિકાએ તેના બે લોકપ્રિય પ્રમુખો ગુમાવ્યા છે. પહેલા અબ્રાહમ લિંકનને ગોળીથી વીંધી નાંખવામાં આવ્યા અને છેલ્લે પ્રેસિડેન્ટ કેનેડીની હત્યા પણ બંદૂકની ગોળીથી થઈ હતી. તે પછી પણ અમેરિકાની સભ્ય સંસ્કૃતિમાંથી ગન કલ્ચર ગયું નથી.

અમેરિકાના ગન કલ્ચરના કારણે એકમાત્ર ૨૦૧૭ના વર્ષમાં ૧૧,૦૦૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં. ત્રણ જ વર્ષમાં આ આંકડો ૪૦ હજાર સુધી પહોંચ્યો છે. અમેરિકા એક વિકાસશીલ દેશ છે. તેની પાસે વિશ્વનો અનેક વખત નાશ કરી શકાય તેટલાં અણુશસ્ત્રો છે અને અમેરિકાના લોકો પાસે જરૂર પડે એકબીજાની હત્યા કરવા માટે કાયદેસરની બંદૂકો પણ છે.

આવો શક્તિશાળી દેશ વિશ્વના બીજા અનેક દેશોનાં ભાગ્ય નક્કી કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આવા નિર્ણયો વોશિંગ્ટન કે ન્યૂયોર્કમાં લેવાતા હોય છે. અમેરિકા જાપાન, વિયેતનામ, ઈરાકથી માંડીને અફઘાનિસ્તાનમાં વિધ્વંસક ખેલ ખેલી ચૂક્યું છે. જાપાન પર અણુબોમ્બ ફેંકી હિરોશીમા અને નાગાસાકીમાં લાખો લોકોને ખતમ કરી નાંખ્યા હતા. આ જ અમેરિકા આખા વિશ્વમાંથી પરમાણુ હથિયારો અને બંદૂકના આતંકને ખતમ કરવાની વાત કરે છે, પરંતુ તે પોતાની જાતનું આત્મનિરીક્ષણ કરવા તૈયાર નથી. અમેરિકા તેના ઘરઆંગણે ફૂલેલું ફાલેલું ગન કલ્ચર અર્થાત્ બંદૂકની સંસ્કૃતિ ખતમ કરવા તૈયાર નથી. નબળા કાયદા અને શક્તિશાળી લોકોના કારણે અમેરિકામાં બંદૂકની સંસ્કૃતિ ફૂલીફાલી છે. હવે અમેરિકાનું આ ગન કલ્ચર જ અમેરિકાને લોહીલુહાણ કરી રહ્યું છે. અમેરિકામાં ગોળીબારથી લોકોનાં નીપજતાં મોત એ હવે સામાન્ય વાત બની ગઈ છે.

અમેરિકાના જર્સી શહેરના ગ્રીન વિલે વિસ્તારમાં થયેલા ગોળીબારથી પોલીસ અધિકારી સહિત છ લોકો મોતને ભેટયા. માર્યા ગયેલા પોલીસ અધિકારી જોસેફ જાલ્સ હતા. તેમણે રસ્તા પરથી બંદૂકના કલ્ચરને હટાવવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ પહેલાં ન્યૂ ઓર્લિયન્સના એક ટૂરિસ્ટ હબમાં એવી જ એક ગોળીબારની ઘટના ઘટી જેના કારણે ૧૧ લોકોનાં મોત નીપજ્યાં. એ જ રીતે ઓહાયામાં ગોળીબારથી નવ લોકોનાં મૃત્યુ નીપજ્યાં.

અમેરિકામાં લોકોનાં હૃદય ધ્રૂજી જાય તેવી અનેક લોહિયાળ ઘટનાઓ ઘટી છે. કેટલાક સમય પહેલાં લાસવેગાસ શહેરમાં યોજાયેલી એક મ્યુઝિક કોન્સર્ટ વખતે સંગીતપ્રેમીઓ પર ગોળીબાર થયો અને એ કારણે ૫૯ લોકો મોતને ભેટયા. એ બધા જ સંગીતપ્રેમીઓ હતા. એ સિવાય એ જ ગોળીબારથી બીજા ૫૫૦ લોકો ઘાયલ થયા. આ બધી ઘટનાઓને અંજામ આપનારા લોકો માથાના ફરેલા અને સાઇકિક હોય છે. આવા લોકોએ સ્કૂલોનાં બાળકોને પણ છોડયાં નથી. તા.૧૪મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ફ્લોરિડાની મર્જરી ડગ્લાસ હાઈસ્કૂલમાં બપોરે ૨:૪૦ વાગ્યે કોઈએ અચાનક બાળકો પર ગોળીઓ છોડી, એ અંધાધૂંધ ફાયરિંગને કારણે ૧૭ જેટલા વિદ્યાર્થીઓ અને વિર્દ્યાિથનીઓની લાશોથી લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં. ચોંકાવનારી વાત એ હતી કે એ ગોળીબાર કરનાર એ જ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. એ વિદ્યાર્થી પહેલેથી જ તોફાની અને ગલત હરકતો કરનારો હોઈ તેને સ્કૂલમાંથી કાઢી મૂક્વામાં આવ્યો હતો. એણે ક્યાંકથી બંદૂક હાંસલ કરી સ્કૂલ સામે બદલો લેવા સ્કૂલના જ પ્રાંગણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ગોળીઓ ચલાવી દીધી. એ વખતે એ જ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવી રહેલી એમ.ગોંજાલિસ નામની એક યુવતી બચી તો ગઈ પણ મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની શોકસભાને સંબોધતાં એણે કહ્યું હતું: ‘જો મને પ્રેસિડેન્ટ  મળી જાય તો હું એમને પૂછીશ કે મિસ્ટર ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રીય રાઇફલ એસાસિયેશન પાસેથી તમને કેટલા પૈસા મળ્યા છે?’ એમ. ગોંજાલિસનું ૧૧ મિનિટનું આ પ્રવચન અમેરિકામાં વાઈરલ થઈ ગયું અને તે દિવસથી જ એમ. ગોંજાલિસ અમેરિકાના ગન કલ્ચર સામે લડનાર એક્ટિવિસ્ટ બની ગઈ. આ ગયા વર્ષની વાત છે.

એ જાણવું જરૂરી છે કે અમેરિકામાં બંદૂક રાખવાની બધાને અનુમતી છે. એ માટે લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું પડતું નથી. અમેરિકાન સરકારે ન તો બંદૂક ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે કે ન તો તેની કોઈ સીમા નક્કી કરી છે. વારંવાર થતા ગોળીબારની ઘટનાઓના કારણે અમેરિકામાં જ શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ મૂકવા અનેક વર્ષોથી માંગ ઊઠતી રહી છે પરંતુ અમેરિકામાં બંદૂકો, ઓટોમેટિક રાઇફલ્સ અને રિવોલ્વર જેવાં શસ્ત્રો બનાવતી કંપનીઓની મજબૂત લોબીના કારણે આ માંગ આજ સુધી સ્વીકારવામાં આવી નથી. સત્ય તો એ છે કે અમેરિકામાં બંદૂક રાખવી તેને કેટલાક અમેરિકાનો પોતાની શાન સમજે છે. લાગે છે કે પેલું ‘કાઉબોયઝ’ કલ્ચર હજુ જીવે છે. અમેરિકનોએ બંદૂકને પોતાની જીવનશૈલીનો એક હિસ્સો બનાવી દીધો છે.

ઇતિહાસ એવો છે કે ઈ.સ. ૧૭૭૬માં અમેરિકાએ ક્રાંતિના દૌરમાં જ્યારે અમેરિકાએ બ્રિટનની વિરુદ્ધ મોરચો ખોલ્યો ત્યારથી અમેરિકનોએ બંદૂકને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું હતું. એ લગાવ આજે પણ ચાલુ છે. પોતાની સુરક્ષાના નામે કેટલાક અમેરિકનો બંદૂકો ખરીદે જાય છે. અમેરિકામાં એક નેશનલ રાઇફલ એસોસિયેશન પણ છે અને આ જ રાઈફલ એસોસિયેશન અમેરિકામાં બંદૂકની સંસ્કૃતિને વિકસાવી રહ્યું છે. આ એસોસિયેશન લોકો ઘરમાં ગન રાખે તેવા પક્ષમાં છે. વળી અમેરિકાનું આ નેશનલ રાઇફલ એસોસિયેશન રાજકીય રીતે ખૂબ શક્તિશાળી પણ છે. આ એસોસિયેશન ચૂંટણી વખતે મતદાનને પણ પ્રભાવિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

અમેરિકાનું આ ગન કલ્ચર હવે અમેરિકા માટે જ રાષ્ટ્રીય સંકટ બની ચૂક્યું છે. આવા ગન કલ્ચરના કારણે ગુજરાતીઓ અને બીજા ભારતીયોની પણ હત્યાઓ થઈ ચૂકી છે. અમેરિકામાં જે રીતે અંધાધૂંધ ફાયરિંગ થાય છે તેનું કારણ માત્ર બંદૂકની ઉપલબ્ધતા જ નથી. અમેરિકાની સામાજિક પરિસ્થિતિ પણ એટલી જ જવાબદાર છે.

અમેરિકન પરિવારો તૂટી રહ્યાં છે. બાળકો નાની વયથી જ સ્વતંત્ર રહેવા માટે ઝંખી રહ્યાં છે અને પોતાના નિર્ણયો ખુદ લેવા માંગે છે. સંયુક્ત કુટુંબપ્રથા ખતમ થઈ રહી છે. ફેમિલી વેલ્યૂઝ ઝડપથી ઓસરતી જાય છે. સામાજિક વિષમતા પણ વધતી જાય છે. ગરીબી અને બેરોજગારીથી ત્રસ્ત કેટલાક લોકો ગનના સહારે સ્ટોર્સ બંધ કરીને નીકળતા કોઈ ભારતીયને થોડાક ડોલર માટે મારી નાંખે છે. અમેરિકા આ ગન કલ્ચરના કારણે તેનાં બાળકો તેના જ લોકપ્રિય નેતાઓ અને તેના જ નિર્દોષ નાગરિકોને લોહીના ખાબોચિયામાં મરતાં જોતું હોવા છતાં અમેરિકન સરકાર ગન કલ્ચર પર પ્રતિબંધ મૂકવા તૈયાર નથી. અમેરિકન સરકાર છાશવારે ઘરઆંગણે જ ખૂનની વહેતી નદીઓ જોવા તૈયાર છે પરંતુ બંદૂક પર પ્રતિબંધ મૂકવા તૈયાર નથી તે એની જ કમનસીબી છે.